Khuda Nigehban खुदा निगेहबान PLAY>

संगीतकारः नौशाद

रिमिक्स और वादकः घनश्याम ठक्कर

Original Score: Naushad

 Remix Music: Ghanshyam Thakkar

 

મિત્રો,

ભારતના મહાન સંગીતકાર શ્રી નૌશાદજીએ સ્વરબદ્ધ કરેલ એક અમર ગીતનું રિમિક્સ આપને પીરસી રહ્યો છું. ભારતની શ્રેશ્ઠ ફિલ્મોમાંની એક मुगल-ए-आझम અને તેના અમર કલાકારો અને ગાયકો વિષે વાત ક્યારેક બીજી પોસ્ટમાં કરીશું. આજે આ ગીતના મહાન સંગીતકાર નૌશાદજી વિષે બે શબ્દ લખું છું. નૌશાદ ભારતના એક સૌથી મહાન સંગીતકારોમાંના એક છે એવું કહેવાથી તેમની અધુરી ઓળખ જ થવાની. તેઓ એક ઐતિહાસિક સંગીતકાર છે. ભારતમાં ફિલ્મયુગ શરૂ થતાં ભારતિય સંગીત રજતપટ માટે યોગ્ય ઓળખ શોધી રહ્યું હતું. ભારત પાસે મહાન સંગીતનો ખજાનો તો સદીઓથી હતો. પણ ફિલ્મો માટે એક નવા ફોરમેટની જરૂર હતી. પશ્ચિમની orchestraને ભારતીય બનાવવાની હતી. અને આ પડકાર ઝીલવામાં નૌશાદ સાહેબ મોખરે હતા.

સંગીત ફિલ્મ માટે સ્વરરચિત થયું હોય કે પછી સ્વતંત્ર ગીત તરીકે પ્રકાશિત થયું હોય, તેમાં અમુક સુલક્ષણો તો હોવાં જરૂરી છે જ. ઉચ્ચ કક્ષાનું સ્વર નિયોજન  (મ્યુઝીક કોમ્પોઝીશન), વાદ્યવૃંદ સંયોજન (orchestration), મધુર સ્વર વાળા અને યોગ્ય ભાવ (expression) લાવી શકતા સંગીતજ્ઞ ગાયકો, ઉચ્ચ કક્ષાનાં વાજીંત્રો અને તેના સંગીતજ્ઞ વાદકો, અને ઉચ્ચ કક્ષાનું રૅકોર્ડિંગ. પણ ફિલ્મો કે નાટકો માટે આટલી લાયકાત પૂરતી નથી. ફિલ્મના દ્રષ્યોને અનુરૂપ વાતાવરણ સર્જવું તે માત્ર સંગીતની જ નહી, પણ માનવ હ્રદયનાં જટિલ સંવેદનોની ઊંડી સમજ માગી લે છે. ઉરનાં સંવેદનો અને સ્પંદનો એક વાજિંત્રમાંથી નીકળતા લિનીયર સૂર જેવાં નથી પણ અનેક વાજિંત્રોથી બનેલી ઓર્કેસ્ટ્રાનાં ક્યારેક પૂરક તો ક્યારેક વિરોધાભાસી છતાં હમેશાં કલાત્મક અને હાર્મનીસભર હોય છે.

ફિલ્મસંગીતમાં એક બીજું જરૂરી લક્ષણ છે. અને તે છે સાંસ્કૃતિક વાતાવરણ સર્જવાનું. વાર્તા મોગલકાળની હોય, સનાતન કાળની હોય, રોમના જુલિયસ સીઝરના સમયની હોય કે પછી કોઈ દેશની આધુનિક હોય, પણ સંગીત આ સમયનું, સંસ્કૃતિનું વાતાવરણ આપણી ચેતનામાં એવું ઊભું કરે, કે આપણે આપણા અસ્તિત્વને ભૂલી તે સમય અને સંસ્કૃતિનો હિસ્સો બની જઈએ. નૌશાદજીએ મોગલકાળનું વાતાવરણ એટલું તો આબેહુબ સર્જ્યું છે, કે આપણે અકબરના રાજ્યના નાગરિક બની જઈએ. એમજ લાગે કે નૌશાદ, સંગીત સમ્રાટ તાનસેનના રૂમમેઈટ હશે. મને જે મિત્રો જાણે છે તે કહેશે, કે હું કલાકારોની અસાધારણ પ્રસંશા સહેલાઈથી નથી કરતો. પણ આજે આ શબ્દો ઉચ્ચારું છુંઃ મોગલકાળનુ જે વાતાવરણ નૌશાદે સર્જ્યું છે તે કદાચ બીજા કોઈ સંગીતકાર સર્જી શક્યા ન હોત.

પણ તો ય જ્યારે આપણે ‘મન તડપત હરિ દરશનકો આજ’ કે ‘મોહે પનઘટપે નંદલાલ’ જેવાં ગીતો સાંભળીએ ત્યારે લાગે કે નૌશાદ તો વેદિક કાળના સંગીત સર્જક હશે.

હું સંગીતસર્જક છું, તો સંગીતનો ભાવક પણ છું. નૌશાદજી જેવા મહાન સંગીતકારો મને હમેશાં પ્રેરણા આપતા રહ્યા છે. ક્યારેક એમના અમર સૂરોને વગાડું છું ત્યારે તેમનું અને તેમના સૂરોનું  હ્રદયપૂર્વક સન્માન કરું છું