અમે ધૂળના બંધાણી વાયરા

ગીત

ઘનશ્યામ ઠક્કર

હું મને શોધી રહ્યો છું, લાખ પડછાયા મહીં; હું જ ખોવાઈ ગયો છું મેં રચી માયા મહીં
– કવિ કરસનદાસ માણેક

ગયા અઠવાડિયે ‘અમે ધૂળના બંધાણી વાયરા’નો હિન્દી ભાવાનુવાદ [हम धूल के व्यसनी पवन! (गीत) घनश्याम ठक्कर] કરવાનો મૂડ આવી ગયો. અને એક જ બેઠકમાં મૂળ ગીતના (ગુજરાતી લોકગીતના) લયમાં જ આખું હિન્દી કાવ્ય બેસી ગયું. મારા હિન્દી બ્લૉગ कलापीकेतन પર મૂળ ગુજરાતી ગીતની લીંક મૂકવાની જરૂર ન હતી, પણ આ બ્લોગ પર મૂળ ગુજરાતી કાવ્યની લીંક મૂકવાનો પ્ર્યત્ન કર્યો, જેથી ગુજરાતી/હિન્દી દ્વિભાષી વાચકો બન્ને કાવ્યોને જોડાજોડ રાખી વાંચી શકે.

એમ હતું કે ગુજરાતી કાવ્ય તો બ્લોગ પર ક્યારનું યે મૂકાઈ ગયું હશે. પછી ખબર પડી કે ગુજરાતી કાવ્યની પોસ્ટ હજી મૂકી જ ન હતી. આ મારાં પ્રિયમાં પ્રિય કાવ્યોમાંનું એક છે એટલે બ્લોગ શરૂ કર્યાના છ વરસ પછી આ ગીતની પોસ્ટ હજી કેમ કેમ નથી મૂકાઈ તેનો જવાબ કવિ શ્રી કરસનદાસ માણેકની ઉપરની પંક્તિઓ જ આપી શકે.
અને હા, એકદમ યાદ આવ્યું કે ૧૯૯૩-૯૪માં આ કાવ્ય પર આધારિત અંગ્રેજી કાવ્ય પણ લખીને મૂકી રાખ્યું હતું. તે હવે પછીની પોસ્ટમાં મૂકીશ.અંગ્રેજી કાવ્ય પણ લયમાં છે, જો કે તેનો લય ગુજરાતી અને હિન્દી કાવ્યોથી જૂદો છે. ત્યારે આપને એક કાવ્ય ત્રણ ભાષામાં વાંચવા મળશે.
શ્રી ઉમાશંકર જોશીએ ‘નવો મિજાજ નવો અવાજ‘માં આ ગીતની બે પંક્તિઓ વિષે લખ્યું છે
ઝાકળ, મૃગજળ અરીસો, હાથમાંની રેખાઓ વગેરે વારંવાર ભટકાય છે, પણ તે યોજાયાં છે, ક્યારેક તો અવાક કરી દે એવી ધારદાર મૌલિકતાથી. ‘આયનો’ એકલવાયાપણાની સાહેદી પુરાવનાર સાધન તે પોતે જ કેવા એકલવાયાપણામાં કેદ છે તે ચિંધતું કલ્પન એ કોટીનું છે.
એવા રે એકલવાયા આયના,
જેની બેઉ બાજુ સિંદૂરી પછીત.
પણ સૌ પ્રથમ મારે ઘેર તેમણે આ કાવ્ય  (શ્રી મહેન્દ્ર મેઘાણીની હાજરીમાં) વાંચ્યું ત્યારે, તેઓ કાવ્યનાં આધુનિક કલ્પન, અલંકારો વગેરેનો ઉલ્લેખ કરતાં પહેલાં, કાવ્યમાં પુનરાવર્તિત થતા બે ‘થીમ’ શબ્દ ‘ના આવડી‘થી ખૂબ જ પ્ર્ભાવિત થઈ ગયા. કાવ્ય સાંભળ્યા પછી તેમનો પ્રથમ પ્રતિભાવ હતો: “લો, અમને ના આવડી!” પણ એમણે જે ધ્વનિ અને હાવભાવ સાથે એ શબ્દોનો ઉચ્ચાર કર્યો, તેનાથી કાવ્યનો ‘કેન્દ્રીય વિચાર (સેન્ટ્રલ આઇડિયા)’ રજુ કરવા બીજા શબ્દોની જરૂર નહતી. મહેન્દ્રભાઈએ પણ એ જ દ્વનિમાં શબ્દોનું પુનરાવર્તન કર્યું. આધુનિક કલ્પનો અને અલંકારોના અંતે ‘ના આવડી’ જેવા સહજ ભાવને કારણે આધુનિકતા લોકસાહિત્યના ગોળમાં

ઓગળી ગઈ અને લોકગીતનું એક અનોખું લઢણ (‘મોડ ઑફ એક્સ્પ્રેશન’) બની ગઈ. અશક્તિમાં નિખાલસતા છે, સહજતા છે. તેમાં કોઈ કૃત્રિમ ક્ષોભ કે ફોર્માલીટી નથી.

ઉમાશંકરભાઈએ ઉલ્લેખ કરેલી આ બે પંક્તિઓ પ્રા. મધુસૂદન કાપડિયાને પણ એટલી ગમી કે તેમણે તે અભિરુચિને એક નવા સ્તરે વોકલ કરી, તે આ પોસ્ટની નીચેની લીંકમાં તેમના જ શબ્દોમાં સાંભળો

પ્રા. મધુસૂદન કાપડિયાનો આ ગીત માટેનો પ્રતિભાવ

Advertisements