Gandhi-Film Theme music [Music: Ravi Shankar]
Hai Re Woh Din Kyun Na Aaye
Music: Ravi Shankar
Singer: Lata Mangeshkar, Film: Anuradha
વૈષ્નવજન તો (વાદ્યસંગીતઃ સિતાર-પિયાનો-ગિટાર)ઃ – ઘનશ્યામ ઠક્કર (ઑએસીસ)
Goodbye Sitar Maestro Ravi Shankar – Ghanshyam Thakkar [English]
ભારતીય સંસ્કૃ તિને પશ્ચિમમાં લોકપ્રિય બનાવવાની વાત આવે તો બે નામ સૌથી મોખરે તરી આવે. એક સ્વામિ વિવેકાનંદ અને બીજા પંડિત રવિ શંકર.
શાસ્ત્રીય સંગીતના સારા કલાકાર હોવું તે એક આવડત છે. આ કલાને લોકપ્રિય બનાવવી, લોકો સુધી પહોંચાડવી, ખાસ કરીને પશ્ચિમના ઑડિયન્સમાં; એ તદ્દન અલગ આવડત છે. બિટલ્સ જેવા આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર જેને ગુરુ બનાવે એ નાનીસુની વાત નથી. લંડન અને બીજી મહત્વની ફીલ હાર્મોનિક (વેસ્ટર્ન ક્લાસિકલ સંગીતની) ઓર્ક્રેસ્ટા સિતારને લીડ-ઇન્ટ્રુમેંટનું માન આપી ભારતનું શાસ્ત્રીય સંગીત વગાડે, તેનાં આલબમ બનાવે તે સિદ્ધિ અદ્વિતીય છે. આધુનિક સમયમાં ભારતમાં પણ શાત્રીય સંગીતના ચાહકો ખૂબ જ ઓછા છે, ત્યારે પશ્ચિમના દેશોએ લાંબા સમય સુધી ભારતના શાસ્ત્રીય સંગીત સિવાય બીજા કોઈ સંગીતમાં રસ બતાવ્યો નથી!
૧૯૭૩માં અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં રહેવા ગયો ત્યારે અમેરિકામાં ભારતીયોની વસ્તી ખૂબ જ ઓછી.ટેક્સાસમાં તો નહિવત. ભારત અને પૂર્વના દેશો વિષે લોકો ખૂબ જ થોડું જાણે. ટેક્સાસમાં તો ગામડાંનું વાતાવરણ. ટેક્સાસનાં ગામડાંમાં તો દક્ષિણ યુ.એસ.એ.માં લોકપ્રિય ‘કન્ટ્રિ ઍન્ડ વેસ્ટર્ન’ લોકસંગીત સિવાય અમેરિકાના સંગીતને સંગીત ગણે નહીં. રાજ્યનાં શહેરોમાં પણ આ જ સંગીતની બોલબાલા. ત્યાં પણ જો તમે કહો કે તમે ભારતના છો, તો તમને માત્ર ત્રણ જ પ્રશ્નો પૂછાય.
1. તમારા દેશમાં ગાયોને પવિત્ર માનવામાં આવે છે?
2. સ્ત્રીઓ માથા પર ચાંલ્લો કરે તેનો શો અર્થ?
3. તમે રવિ શંકરનું સંગીત સાંભળો છો?
સંગીતના સંદર્ભમાં ‘ભારતીય’ અને ‘રવિ શંકર’ સમાનાર્થી શબ્દો હતા. કોઈ ‘ભારતનું સંગીત’ કે ‘ભારતીય શાસ્ત્રીય સંગીત’ કહે નહીં. આ સંગીત માત્ર ‘રવિ શંકરના સંગીત’ તરીકે ઓળખાય. ૧૯૭૪માં નાસામાં મારી એક સહકર્મચારી મેડમ પણ ‘કન્ટ્રી એન્ડ વેસ્ટર્ન’ સિવાય કોઈ સંગીત સાંભળે નહીં. એક દિવસ કહે, “તારે મારા બૉયફ્રેન્ડને મળવું જ પડશે” એને મળ્યો તો મારા આશ્ચર્ય વચ્ચે, એણે મને રવિ શંકરનાં આલબમનું કલેક્ષન બતાવ્યું! ત્યારે હું દિવસરાત અમેરિકાનું પૉપ મ્યુઝીક, અને ક્યારેક હિન્દી ફિલ્મી સંગીતની કસેટ જ સાંભળતો હતો. મને શરમ આવી કે મારી પાસે રવિ શંકરનું એક પણ આલબમ ન હતું. એ ભારતીય શાસ્ત્રીય સંગીતનો ચાહક હતો. રવિ શંકરનો ચાહક હતો. સિતારનો ચાહક હતો. કહેઃ ‘આ સંગીત એ આત્માનું સંગીત છે. એ સાંભળતાં મને મને જે માનસિક શાન્તિ મળે છે, તે બીજા કોઈ સંગીતથી નથી મળતી.’ શાસ્ત્રીય રાગની મહાનતા ઉપરાંત સિતાર વાદ્યના ધ્વનિમાં પણ આવું આધ્યાત્મિક વાતાવરણ સર્જવાનો એક અનોખો જાદુ છે. જેમ બ્યુગલનો ધ્વનિ લશ્કરી કવાયતનો ધ્વનિ સર્જે, સૅક્સોફોન એ ક્લબનો સેક્સી ધ્વનિ બનાવે, તેમ સિતાર આધ્યાત્મિક ધ્વનિ પેદા કરે છે.
૧૯૯૦ના દાયકામાં નવા પ્ર્કારનાં ઇલેક્ટ્રોનિક કીબૉર્ડ (સિન્થેસાઇઝર) બજારમાં આવ્યાં. આ કીબૉર્ડ ૩૦૦-૪૦૦ જેટલાં વાજિન્ત્રો અને રિધમ ઇન્સ્ટ્રુમેંટથી સજ્જ હતાં. કેટલાંક વાદ્યો તો એકુસ્ટીકલ વાજીંત્રો, જેવાંકે વાયોલીન, સ્ટ્રિંગ્સ, વીન્ડ ઇન્સ્ટ્રુમેંટ, સેક્સોફોન, વાંસળી વગેરે રિડ્સનો આબેહુબ ધ્વનિ, અરે, જો વગાડનારમાં આવડત હોય તો સાચાં વાજિન્ત્રોની જેમ, એક્સ્પ્રેશન કે લાગણી પણ ઉભી કરી શકતાં હતાં. અને એ જ કીબૉર્ડ ડ્રમ્સ, અને બીજાં રિધમનાં સાધનો પણ આબેહુબ વગાડી શકતાં. મેં ૧૯૮૦માં કેસિયો લીધેલું તે આ કિબોર્ડની આગળ બળદગાડી જેવું લાગે. મેં જ્યારે આ વાજિન્ત્રો સાંભળ્યાં, તો હું સ્ટોર્સમાં કલાકોના કલાકો બેસી એકે એક વાજિન્ત્રને સાંભળી, કયું કિબૉર્ડ ખરીદવું તેનો નિર્ણય લઈ રહ્યો હતો. મારા આશ્ચર્ય વચ્ચે, મોટાભાગનાં કિબોર્ડમાં સિતાર, શહનાઈ અને તબલાં હતાં. મેં સેલ્સમેનને કહ્યું કે તું મને એ કિબોર્ડ બતાવ જેમાં સિતાર, તબલાં અને શરણાઈનો ધ્વનિ મૂળ વાજિન્ત્રો જેવો જ લાગે. મેં સરખામણી કરી અને એન્સોનિકની પસંદગી કરી, કારણ કે તેમાં સિતાર અને તબલાં સૌથી સારાં હતાં. શરણાઈ કોઇના કિબોર્ડમાં મને ગમી નહીં, તેથી મારા સંગીતમાં જે શરણાઈ તમે સાંભળો છો, તે મેં હજારો કલાકની મહેનત કરી મારી જાતે બનાવી.
હું સંગીત કે શાસ્ત્રીય રાગો કોઈ ગુરુ પાસે શીખ્યો નથી, પણ જો ધ્યાનથી સાંભળું તો શાસ્ત્રીય સંગીત પર આધારિત ધૂન રચી શકું. એક વાર પંડિત રવિશંકરના શાસ્ત્રીય સિતારવાદનની રેકોર્ડ લઈને બેઠો. ઇરાદો હતો, તેમણે વગાડેલા રાગથી પ્રેરણા લઈ એજ રાગ મારી સિન્થસાઇઝરની સિતાર પર વગાડું. પણ કમ્પોઝ કરવા બેઠો ત્યારે ગાડી બીજા પાટા પર ચડી ગઈ. મેં મનમાં ્સ્વતંત્ર રીતે જે આવ્યું તે વગાડી સ્વરરચના તૈયાર કરી. એ શાસ્ત્રીય સંગીતનું વાતાવરણ તો ઉભું કરે છે, પણ કોઈ મારા જાણીતા શાસ્ત્રીય રાગ પર આધારિત નથી. સમય મળશે ત્યારે માઇસ્ટ્રોએ વગાડેલા એક રાગની પ્રેરણા લઈ ફરીથી ધૂન બનાવીશ.
ગાંધી ફિલ્મમાં ગાંધીજીને પ્રિય ‘વૈષ્નવજનતો તેને કહીએ’ સ્વરરચિત કરી, સિતાર સાથે ગવડાવી, કવિ નરસિંહ મહેતાને દુનિયાના તક્તા પર મૂકી દીધા. એ પ્રેરણાથી ઉપરનું વાદ્યસંગીત મેં સિતાર અને પછી પિયાનો પર વગાડ્યું. જો કે આદના જોરે, મેં એને મારા પોતાના શાસ્ત્રીય વાતાવરણ સાથે જોડી દીધું.
૧૯૬૦માં રવિશંકરે ‘અનુરાધા’ ફિલ્મમાં પણ યાદગાર સંગીત આપ્યું હતું. ્તેનું લતાજી એ ગાયેલું ગીત ‘હાયે રે વો દિન ક્યું ન આયે’ અને બીજાં ગીતો અમર થઈ ગયાં છે. જો તેઓ બિટલ્સ સાથે જોડાઈ અમેરિકા ન ગયા હોત તો મહાન સિતારવાદક ઉપરાંત બૉલીવુડના મહાન સંગીતકાર પણ બન્યા હોત.
એ યોગ્ય છે કે આ મહાન સંગીતકાર, સિતાર માઇસ્ટ્રોને ભારતમાં સૌથી મોટો એવોર્ડ ‘ભારતરત્ન’ મળ્યો છે, અને અમેરિકામાં તેમને ગ્રેમીનો ‘લાઇફટાઇમ એચિવમેંટ એવોર્ડ મળશે.
ઘનશ્યામ ઠકકર
3 Trackbacks / Pingbacks
Goodbye Sitar Maestro Ravi Shankar | Oasis Thacker's Blog ડિસેમ્બર 15th, 2012 પર 01:09
[…] […]
Goodbye Sitar Maestro Ravi Shankar – Ghanshyam Thakkar | Ghanshyam Thakkar's Blog ડિસેમ્બર 15th, 2012 પર 03:22
[…] […]
Goodbye Sitar Maestro Ravi Shankar – Ghanshyam Thakkar | कलापीकेतन ડિસેમ્બર 15th, 2012 પર 04:34
[…] […]