Full-Earth Nite on the Moon – Oasis Thacker

Computer Art: Oasis Thacker

Computer Art: Oasis Thacker

Music Composer and Performer: Oasis Thacker

વર્ષો પહેલાં અમારા નાનકડા ગામ દેથલીમાં વીજળી કે પાણીના નળની સગવડ નહીં, બળદગાડાં સિવાય કોઈ વાહન નહીં. સંધ્યાકાળ પછી ઘરને ઓટલે મૂકેલ કેરોસીનનાં ફાનસ સિવાય કોઈ અજવાળું નહીં;  ઇન્ટરનેટ, ટીવી, અરે રેડિયોના પણ અભાવમાં રાત પડે જીવન આખું સ્થગિત થઈ જાય. સિવાય કે અજવાળિયાની રાતોમાં ખીલેલ ચંદ્રમાની કંપનમય ચાંદનીમાં ઊર્મિના ઉછાળાનો આહ્લાદ. આજના ધમાલિયા જીવનમાં, અને મનોરંજનનાં હજારો સાધનોની પ્રાપ્યતા પછી શુધ્ધ ચાંદનીનું ઇંદ્રિયગમ્ય આહ્લાદકત્વ કોણ અનુભવે છે?.

જ્યારે પ્રાથમિક શાળામાં શિક્ષકોએ સમજાવ્યું કે ગોળફરતી પૃથ્વીનો ભાગ સૂર્ય-વિમુખ થાય ત્યારે, ચંદ્ર નામના ઉપગ્રહ (મહા-ખડક) પર પડતા સૂર્યના પ્રકાશને કારણે ચંદ્ર દેદીપ્યમાન લાગે છે. ત્યારે મેં શિક્ષકને પૂછ્યું, ‘સાહેબ, તો પછી જો આપણે ચંદ્ર પર બેઠા હોઈએ તો પૃથ્વી પણ ચંદ્રની માફ પ્રકાશ વેરતી દેખાયને!’

શિક્ષકઃ “હા, અને વધારે મોટી!”

ક્યારેક હું કલ્પનામાં ચંદ્ર ઉપર પહોંચી જતો, અને સોળે કળાએ ખીલેલી પૃથ્વી પર હરતાં ફરતાં ટચુકડાં માનવ નિહાળતો!

ત્યારે કલ્પના પણ નહતી કે ૧૪-૧૫ વરસ પછી માણસ ખરેખર ચંદ્ર ઉપર જશે અને સોળે કળાએ ખીલેલી પૃથ્વીની લહેજત માણશે! ત્યારે એ પણ કલ્પના ન હતી કે વીસ વરસ પછી હું નાસામાં એન્જિનિયર તરીકે કામ કરતો હોઈશ!

 ૨૦૦૫-0૬ માં   DewDrops on The Oasis કમ્પોઝ કરતો હતો ત્યારે મને બધાંજ ગીતો એક સરખાં સારાં લાગતાં હતાં. પણ  ભાવકોએ Full-Earth Nite on the Moon ગીતને સૌથી વધારે આવકાર આપ્યો છે. હવે સેમ્પલના બદલામાં આખું ગીત સાંભળો.

Advertisements