
(MP3):
Instrumental Music Remix & Performance:
Music Original Score: Naushad
સંગીતકારઃ નૌશાદ
ફિલ્મ ઃ બૈજુ બાવરા
Film Baiju Bavra (1952)
For better listening, use headphone or connect computer to speakers
If sound does not start in one minute, refresh the page.
બૈજુ બાવરા વાર્તા, અભિનય, નિર્દેશન અને સંગીતની દ્રષ્ટિએ બૉલીવુડની સર્વોચ્ચ ફીલ્મોમાંની એક છે. તાનસેનની જેમ ૧૭મી સદીમાં જન્મેલ, સંગીતમાં પારંગત બૈજુ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં યોગદાન દેનાર મહત્વની પ્રતિભા છે. પણ સારી વાર્તા બનવા આ પૂરતું નથી. જૂના રોમન સામ્રાજ્યમાં શાશકો જેમ Fight till death જેવાં duals યોજતા હતા, તેવા જ, પણ અસાધારણ દ્વંદ્વની આ વાત છે. અહીં શાસ્તીય સંગીતના દ્વંદ્વની વાત છે. બે સંગીતકારો વચ્ચે હરિફાઈ થવી એમાં કશું નવું નથી. પણ હારનારને મૃત્યુદંડ મળે તે રાજાઓની સત્તાનું ગાંડપણ બતાવે છે. ખાસ તો અકબર જેવો કલાપ્રેમી બાદશાહ આવું યુગ્મ ગોઠવે તે માનવસ્વભાવની વિરોધાભાસી સાયકીનું ઉદાહરણ છે. પણ એટલું જ વિરોધાભાસી છે કલાકાર બૈજુનું વર્તન. એક તરફ બૈજુ પ્રિયતમા ગૌરીના પ્રેમમાં, અને સંગીતના પ્રેમમાં એટલો પાગલ છે કે તેના ઉપનામ બાવરા, એટલે કે પાગલ તરીકે જાણીતો હતો, અને એમ ફિલ્મનું ટાઇટલ બને છે. પણ આ પ્રેમી પોતાની કલા, જ્ઞાનનો અહં સંતોષવા પ્રિયતમાને દર્દની આગમાં ધકેલી આવા દ્વંદ્વમાં ભાગ લેવા જાય છે. ત્યારે ગૌરી આ ગીત ‘બચપનકી મોહોબત કો’ ફિલ્મમાં ગાય છે. આ લેખનો ઉદ્દેશ ફિલ્મની આખી વાર્તા કહેવાનો નથી; માત્ર ગીતના સૂરોના ભાવો માટે પૂર્વ ભૂમિકા આપવાનો છે. આ પછીની વાર્તા, કહેવાતી ઐતિહાસિક હકીકત, ફિલ્મના ડ્રામા કરતાં જૂદી છે. પણ તે આપને ઇન્ટરનેટ પર મળશે.
ગીતના શબ્દોનો આરંભ ‘મોહોબત’ નહીં પણ ‘બચપનકી મોહોબત’થી થયો છે. માણસના ટૂંકા જીવનમાં શૈશવ અને તે પછીની મુગ્ધાવસ્થાના તબક્કાનું ગૌરવ છે. જીવનનો માત્ર આ જ તબક્કો નિઃસ્વાર્થ પ્રેમની સાચી અનુભૂતિ કરાવે છે. એ પછી સ્વાર્થ અને અહંની ગંદકી પ્રેમના નિર્મળ ઝરણાને દુષિત કરવાનાં ઉદાહરણો ટોપલા ભરીને આપણા બૅકયાર્ડમાં જ પડેલા જોવા મળશે. પણ છેલા પચીસ વરસમાં બાળપણનો આ નાનકડો તબક્કો પણ દુષિત થઈ ગયો છે, અને બાળપણ અને યૌવન વચ્ચેની લક્ષ્મણરેખા ભૂંસાઈ ગઈ છે. તેનું મુખ્ય શ્રેય પચીસેક વરસ પહેલાં શરૂ થયેલ કેબલ ટીવી અને બારેક વરસ પહેલાં શરૂ થયેલ ઇન્ટરનેટને આપી શકાય. પુખ્ત માણસો જે જોઈ, અનુભવી શકે છે તે બાળકોને પણ ઉપલબ્ધ છે. આર્થિક સમૃધ્ધિના ગાંડપણમાં વડિલોનાં ઘટતાં નૈતિક ધોરણો પણ તેને માટે જવાબદાર ગણી શકાય. અને તેથી નાની વયે ડિપ્રેશન અને આપઘાતોની સંખ્યા વધતી જાય છે.
નૌશાદ સાહેબે જીવનમાં બીજું કંઈ ન કર્યું હોત અને માત્ર ‘બૈજુ બાવરા’ અને ‘મોગલે આઝમનું’ સંગીત તૈયાર કર્યું હોત તો પણ હું તેમને દુનિયાના મહાન સંગીતકારોમાંના એક કહેત. બૈજુ પોતે શાસ્ત્રીય સંગીતના સૌથી મહાન કલાકારોમાંના એક હતા. અને એમનું જ દેસી રાગમાં લખેલ ગીત ‘આજ ગાવત મન મેરો’ નૌશાદજીએ ઉસ્તાદ અમિરખાનના મહાન સ્વરમાં રજુ કરી ફરી એકવાર અમર બનાવ્યું છે. પણ ગામડામાં જન્મેલ બૈજુ પ્રિયતમા અને ગ્રામજનો માટે માટે ‘શાસ્ત્રીય સંગીતનો વેદિયો’ નથી બનાવ્યો, અને તેને લોકસંગીતની ઢબે પણ ગાતો બતાવ્યો છે; તે સંગીતકારની (અને ફિલ્મ નિર્દેશક વિજય ભટ્ટની) કુશળતા બતાવે છે. ‘તુ ગંગાકી મૌજમેં’ જેવાં ગીતો તો ખરેખર લોકગીત બની ગયાં, અને આજે પણ એટલાં જ લોકપ્રિય છે.
મારી ટેવ પ્રમાણે ‘બચપનકી મોહોબત કો’ના રિમિક્સમાં મેં મારી પોતાની સર્જકતાનો નાનકડો ઉમેરો કર્યો છે. આશા છે આપ સૌને પસંદ આવશે.

0.000000
0.000000
You must be logged in to post a comment.