વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા, આંખડીના સોદાગર દલ્લડાંને ચોરતા

પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
વૌઠાના મેળામાં ધબકેધબક ઑરતા,
આંખડીના સોદાગર દલ્લડાંને ચોરતા
મને લૈજા મેળે તું હાથ ઝાલી, કે મારું જોબનિયું જાય સાવ ખાલી!
પોરા પૈદે તું પ્રીતની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
કલબલતા ટહૌકામાં કૈડતો ઉજાગરો,
ઝમકે મારી ઝાંઝરી ને ઘમકે મારો ઘાઘરો
હું તો ઘુંઘટડો ખોલીને ચાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
પોરી પૈદે તું રૂપની પ્યાલી, મારું જોબનિયું જાય સાવ ખાલી!
===============
ધોળકા પાસે સાત નદીઓના સંગમ પર વૌઠાનો મેળો દર કાર્તિકી પૂર્ણિમાએ ભરાય છે. મારા જન્મસ્થળ દેથલીથી નજીક. ખેડા જીલાના ખેડૂતો માટે વેકેશનની જગા. હું ચાર વરસનો થયો ત્યારથી ઘણી વાર આ મેળામાં ગયાનું યાદ છે. કાર્તિકી રાતની કડકડતી ઠંડીમાં બળદગાડાં જોડાતાં. ગાડાંની વણઝાર! અમે બાળકો રજાઈ-ધાબળામાં ગોટમોટ થઈ જતા. બાળકો અને યુવાનો માટે આ સૌથી મોટો ઉત્સવ હતો. ચગડોળ, મિઠાઈ, ભજિયાંની દુકાનો, કાગળનાં ગોગલ્સ અને અન્ય રમકડાં, છેલછબિલાઓ અને છેલછ્બિલીઓના ઑરતા. ત્રણ-ચાર દિવસ માટે પૂનમના અજવાળે ચમકતી નદીની રેત આનંદોત્સવનું સ્વર્ગ બની જતી.
કહેવાની જરૂર નથી કે ૧૯૯૭માં આસોપાલવની ડાળે આલબમ માટે ‘પોરી પૈદે તું રૂપની પ્યાલી લખ્યું અને સંગીતબધ્ધ કર્યું, ત્યારે વૌઠાના મેળાનાં આ સ્મૃતિ-દ્રષ્યો આંખમાં તરવરતાં હતાં
You must be logged in to post a comment.